Sahifa-e-Karbala 1Download pdf file and you can read pdf file using Adobe reader . if you don’t have adobe reader then you can download from here. Download PDF Adobe Reader


પ્રસ્તાવના

કરબલાની ગમનાક દાસ્તાન ઇસ્લામી ઇતિહાસની મહત્વની દાસ્તાનોમાંથી છે. દુશ્મનોની હંમેશા કોશીશ રહી કે આ દાસ્તાનની અસરોને મિટાવવામાં આવે. સૌ પ્રથમ બની ઉમય્યાના ઝાલિમ હાકિમોએ પોતાના આ ભયંકર જુર્મની અસરોને મિટાવવામાં પોતાની સંપૂર્ણ શક્તિ લગાડી દીધી. કેમ કે તેમને ડર હતો કે કરબલાના ઇન્કિલાબ પછી લોકોમાં આ ઝાલિમ હુકુમતો વિરૂદ્ઘ ઉભા થવાનો જોશ પેદા થશે. ત્યાર પછી બની અબ્બાસ હુકુમત પર આવ્યા તેમણે બની ઉમય્યાની જેમ ઝુલ્મનો સિલસિલો શરૂ રાખ્યો. અહલેબયત(અલ.)ની સંતાનો અને તેમના ચાહવાવાળાઓ પર ઝુલ્મ કર્યા. પરંતુ આપણે જોયું કે આ ઝાલિમોનું આજે કોઇ નામોનિશાન બાકી નથી અને ઇમામ હુસૈન(અલ.) આજે પણ લોકોના દિલોમાં વસેલા છે.

કરબલાની દાસ્તાનમાં સૌ પ્રથમ જે સમજવું જરૂરી છે અને જેના પર આપણા આલિમો અને દીની રેહબરોએ સતત તાકીદ કરી છે તે ઇમામ હુસૈન(અલ.)ના કિયામનો મકસદ છે. ઇમામ હુસૈન(અલ.)એ પોતાના સફરની શરૂઆતમાં જ ફરમાવ્યું કે હું મારા નાનાની ઉમ્મતની સુધારણા માટે કિયામ કરી રહ્યો છું. ફસાદ ફેલાવવા માટે કિયામ નથી કરી રહ્યો. યઝીદ દીને ઇસ્લામને પાયમાલ કરી રહ્યો હતો. ઇમામ હુસૈન(અલ.) દીનનું રક્ષણ ઇચ્છતા હતા. આપે પોતાની જાન, માલ, અવલાદ બધું જ અલ્લાહના રસ્તામાં કુરબાન કર્યું.
ઇમામ હુસૈન(અલ.)એ ફરમાવ્યું : “હું તમને કિતાબે ખુદા અને સુન્નતે પૈગંબર(સલ.) તરફ દઅવત આપુ છું. જાણી લો કે સુન્નતે પૈગંબર(સલ.) મૃત્યુ પામી રહી છે અને બિદઅત દીનમાં જાહેર થઇ રહી છે. જો મારી વાત સાંભળશો તો હું તમને હિદાયત કરીશ.” (તારીખે તબરી-૪, પા-૨૬૬)
મોહર્રમ અને આશૂરા શીઆ કલ્ચરમાં ભૂલી ન શકાય એવો ત્યાગ, કુરબાની અને જેહાદની યાદ છોડી જાય છે. આ એવો બનાવ છે કે જેમાં પૈગંબર(સલ.)ના નવાસા ઇમામ હુસૈન(અલ.) અને તેમના વફાદાર સાથીઓ ઇઝ્ઝતની મોતને ઝિલ્લત અને કમજોર ઈમાન પર અને નબુવ્વતના ભુલાએલા પૈગામ પર પ્રાથમિકતા આપે છે અને મઝલૂમિયતની પરાકાષ્ઠાએ હોવા છતાં બહાદુરી, નિડરતા અને મઅરેફત સાથે શહાદતનું સ્વાગત કરે છે.
આશૂરા કુફ્ર, નિફાક અને સામ્રાજ્યના મુકાબલામાં એક સળગતી મશાલ છે અને ઉમ્મતે ઇસ્લામીનો કિલ્લો છે. શીઆઓ મોહર્રમ અને આશૂરામાં જે કંઇ કરે છે તે કોઇ રસ્મ, રિવાજિક કાર્ય નથી, બલ્કે દીની રહેબરોની તાલીમ અને ભલામણ પ્રમાણે સૈયદુશ્શોહદા(અલ.)ની યાદમાં થાય છે. એક શીઆ માટે જે મહત્વનું છે તે ઇન્સાની મૂલ્યોનું જીવંત કરવું, જહાલતને દૂર કરવી, ઝુલમના મુકાબલામાં ફરીયાદ, અમ્ર બિલ મઅરૂફ, નહ્ય અનિલ મુન્કર અને અહલેબયત(અલ.) તરફ રજૂ થવું છે. જો કે અમારી આ અઝાદારી મોહર્રમ કે આશૂરા સુધી સિમિત નથી, અન્ય ઇમામોની શહાદતના દિવસે પણ અમે મજલિસ અઝાદારી કરીએ છીએ. કેમ કે અમારી માન્યતા છે કે અમારા દીની રેહબરો માસુમ અને એક નૂરથી છે. અમારા દરેક ઇમામે પોતાના જમાનાની સામાજીક, રાજકીય સ્થિતિ પ્રમાણે પોતાની ફરજ અદા કરી પરંતુ સૈયદુશ્શોહદા ઇમામ હુસૈન(અલ.)ના જમાનાની સ્થિતિ અન્ય ઇમામો કરતાં કંઇ જુદી હતી.
તે સમયમાં મિલ્લતે ઇસ્લામિયામાં ટેઢાપણું, ગુમરાહી એટલી હદે પહોંચી ગઈ હતી કે તેનો ઇલાજ ફકત નસીહત, તકરીરો અને ખુત્બાઓથી અશક્ય હતું. આ ગુમરાહી એટલી સખત અને અસામાન્ય હતી કે તેનો અસર ઇસ્લામની બુનિયાદો પર પડી રહ્યો હતો. ઇસ્લામની બુનિયાદો હચમચી રહી હતી. મુસલમાનોની રેહબરીનો આધાર હક અને ઇન્સાફ પર હોવાની જગ્યાએ ઝુલમ અને ઝુલમના પ્રચાર પર થઇ રહી હતી. ઇમામત અને ખિલાફત જે એક ઇલાહી હોદ્દો છે તેની જગ્યા બાદશાહત લઇ રહી હતી. ઇમામ હુસૈન(અલ.)એ ઝુલમના વિરૂદ્ઘ ઊભા થઇને કયામત સુધી આવતી ઇન્સાનિયતને પૈગામ આપ્યો કે બેદીની, બદઅખ્લાકી, ફસાદ અને ગુનાહને ઇસ્લામ પસંદ નથી કરતો અને ઇન્સાનના દીનથી વધીને કોઇ ચીજ નથી. અસલ દીન છે.
બીજી મહત્વની બાબત કરબલાની દાસ્તાનમાં બોધપાઠ અને નસીહત પ્રાપ્ત કરવું છે. આ માટે આ દાસ્તાનના પાત્રો પર વિચાર વિમર્સ કરવું પડશે. શું કારણ હતું કે અમુક લોકોને ઇમામ હુસૈન(અલ.)નો સાથ આપવાની તૌફીક નસીબ થાય છે. આપ(અલ.)ની સાથે શહીદ થાય છે અને અમુક લોકો ઇમામ હુસૈન(અલ.)ના મુકાબલામાં આવ્યા. આ જ રીતે એક સંખ્યા તે લોકોની પણ છે કે જેઓ ઇમામ(અ.સ.)ના મુકાબલામાં ન આવ્યા પણ ઇમામ(અલ.)નો સાથ આપવાની તૌફીક પણ નસીબ ન થઇ.
આ બધા સવાલોના જવાબ માટે આપણે તે જમાનાના લોકોને સમજવું પડશે. જમાનાની સ્થિતિનું વાંચન કરવું પડશે. જેથી આપણા માટે સ્પષ્ટ થશે કે સાચે જ જો આપણે તે જમાનામાં હોત તો શું આ લાયક હતા કે ઇમામ(અલ.)નો સાથ આપી શકતે અથવા શું આજે પણ આપણે તે મકામ પર છીએ કે જમાનાના ઇમામની અવાજ પર લબ્બૈક કહીએ?
કરબલાથી આપણને ઘણા દર્સ મળે છે. જેમાંથી અમુક તરફ ઇશારો કરીએ છીએ :
(૧) દીનના રસ્તામાં કુરબાની આપવી : દીનના રક્ષણ માટે કુરબાની આપવી જોઇએ. કેમ કે સૈયદુશ્શોહદા ઇમામ હુસૈન(અલ.)એ ફરમાવ્યું :

“اِنْکَانَدِیْنُمُحَمَّدٍلَمْیَسْتَقِمْماِلَّابِقَتْلِیْفَیَاسُیُوْفَخُذِیْنِیْ”

“જો દીને મોહંમદ(સલ.) કાયમ ન રહી શકે સિવાય કે મારા કતલ થવાથી તો અય તલવારો મને લઇ લો.”

સ્પષ્ટ છે કે દીનની હિફાયત માટે બસીરત, મઅરેફત જરૂરી છે અને અમલી મેદાનમાં પણ પરિપક્વ, પુખ્તા હોવું જરૂરી છે. જેવી રીતે કરબલામાં જે લોકો મઅરેફતના ઉચ્ચ મકામ પર હતા તેઓ ઇમામ હુસૈન(અલ.)નો સાથ આપે છે અને ઘણા બધા દુશ્મન ન હતા પણ મઅરેફતની કમીના કારણે પત્નિ, બાળકોની મોહબ્બત, દુશ્મનનો ડર તેમના માટે રૂકાવટ બન્યો. કુરબાની ન આપી શક્યા અને કેટલાક એવા હતા જેમના દિલોમાં અહલેબયત(અલ.) પ્રત્યે કીનો, હસદ હતો. અમલી મેદાનમાં ઘણા કમજોર હતા. આવા લોકો ઇમામ હુસૈન(અલ.)ના દુશ્મન કરાર પામ્યા અને આપ(અલ.)ના મુકાબલામાં આવ્યા.
(૨) દુશ્મનની તાકાતથી ન ડરવું : કરબલાથી એક દર્સ આ મળે છે કે દુશ્મનની તાકાતથી ડરવું ન જોઇએ. તેમની સંખ્યા વધારે પણ કેમ ન હોય. દિલમાં ડર, ભયને જગ્યા ન આપવી જોઇએ. કેમ કે કુરઆનમાં અલ્લાહે વાયદો આપ્યો છે કે “...ઘણાંય નાના ગિરોહ મોટા ગિરોહ પર અલ્લાહના હુકમથી વિજય મેળવી ગયા છે; અને અલ્લાહ સબ્ર કરનારાઓની સાથે છે.” ઇમામ હુસૈન(અલ.)ના સાથીઓની સંખ્યા ઘણી ઓછી હોવા છતાં પાછા ન હટ્યા કેમ કે તેમને યકીન હતું કે તેમની શહાદત અલ્લાહના દીનની નજાત માટે છે. શહીદ થઇને પણ તેમને પોતાની કામ્યાબીનું યકીન હતું. પોતાના મકસદના પ્રાપ્તીનું યકીન હતું.
(૩) નમાઝને મહત્વ આપવું : નમાઝને ઇસ્લામમાં દીનનો સ્તંભ નામ આપવામાં આવ્યું છે. બની ઉમય્યા નમાઝની પવિત્રતાને ખોઇ રહ્યા હતા. વલીદ શરાબ પીએ છે અને મહેરાબમાં નમાઝ દરમિયાન ઉલટી કરે છે. આવી નમાઝ બુરાઇથી રોકી ન શકે. ઇમામ હુસૈન(અલ.)એ આશુરના દિવસે દુશ્મનના હુમલાઓની પરવા કર્યા વિના, પોતાના અમુક સાથીઓને નમાઝ કાયમ કરવા માટે કુરબાન કર્યા, આ બાબત નમાઝના મહત્વને દર્શાવે છે. આપે ફરમાવ્યું : “હું નમાઝને પ્રિય રાખુ છું.” નમાઝ ઇન્સાનની પાક ફિતરતને ગંદકીઓથી પાક કરે છે.
(૪) ગુમરાહીઓનો મુકાબલો કરવો : કરબલાથી આપણને એક દર્સ આ મળે છે કે દીનમાં વક્રતા, ગુમરાહીનો મુકાબલો કરવો જોઇએ. શક્ય છે ઇલાહી દીનમાં અમુક લોકો દ્વારા તેહરીફ, ફેરફાર કરવામાં આવે અને આ એક મોટી આફત છે. આ ત્યારે બને છે કે જ્યારે હાકિમો પોતાની ઇચ્છા મુજબ દીનમાં હુકમ જારી કરે, ત્યારે તો ઇમામ હુસૈન(અલ.)એ ફરમાવ્યું હતું કે યઝીદ જેવો ઇસ્લામની દોરી સંભાળે તો ઇસ્લામના ફાતેહા પઢી લેવા જોઇએ. યઝીદ અલ્લાહના હલાલને હરામ કરી રહ્યો હતો અને હરામને હલાલ કરી રહ્યો હતો, જાહેલીયતના આદાબ, સુન્નતોને જીવંત કરી રહ્યો હતો. ઇમામ હુસૈન(અલ.)એ ઝુલમના વિરૂદ્ઘ કિયામ કરી કયામત સુધી આવતા ઇન્સાનો માટે એક દર્સ છોડી ગયા છે કે જે પણ હકની બુનિયાદ પર કિયામ કરશે તે કામ્યાબ છે.
પ્રિય વાંચકો ! આપની સમક્ષ કિતાબ સહીફએ કરબલા પેશ કરી ખુશી અનુભવી રહ્યા છીએ. આ કિતાબના લેખક ઇરાનના પ્રતિષ્ઠિત આલિમોમાંથી છે. લેખકે આ કિતાબમાં કરબલાના ઇતિહાસને ક્રમવાર અને ખૂબ જ ઉમદા તરીકાથી સંપાદન કર્યું છે અને ભરોસાપાત્ર સંદર્ભો દ્વારા આ કિતાબ તૈયાર કરવામાં આવી છે. મકતલ સંબંધિત કિતાબોમાં હાલની આ શ્રેષ્ઠ કિતાબોમાંથી એક છે. આવી મોટી કિતાબ આટલી જલ્દી એક સાથે બે ભાગમાં પ્રકાશિત કરવું અમારા માટે અશક્ય હતું. પરંતુ અલ્લાહનો ફઝલો-કરમ સાથ રહ્યો અને કેટલાક મોઅમેનીન સબબ બન્યા કે આ કિતાબનો આર્થિક બોજ ઘણે ભાગે હળવો થયો છે. અમે તે તમામ મોઅમેનીનના શુક્રગુજાર છીએ જેઓ આ કિતાબમાં મદદરૂપ થયા છે. અલ્લાહતઆલા તેમના આ નેક અમલને કબૂલ ફરમાવે.
આ સાથે અમે, અમારી કિતાબો છાપનાર જનાબ મોહંમદરઝા ભાઇ ભોજાણી સાહેબના શુક્રગુજાર છીએ જેમણે તફસીર ભાગ-૩ની ૬૩૦૦૦ રૂપિયા જેવી રકમ બાકી હોવા છતાં આ કિતાબને પ્રિન્ટીંગ માટે સ્વીકારી, અલ્લાહ તેમને જઝાએ ખૈર આપે.
અહીં અમે અમીરૂલ મોઅમેનીન લાયબ્રેરીના શુભેચ્છક, હમદર્દ અને અમારા મરહુમ વાલિદ સાહેબના મુખલિસ મિત્ર મોહસિનભાઇ કડીવાલ (ઝયનબિયા ઇસ્લામી લાયબ્રેરી, મેતા, પાલનપુર)ના પણ તહેદિલથી શુક્રગુજાર છીએ કે જેમણે આ કિતાબ માટે ભંડોળ એકત્ર કરવામાં ખૂબ જ મહેનત કરી છે. અને પોતે પણ મદદરૂપ થયા છે. અલ્લાહતઆલા તેમની કોશીશોને કબૂલ ફરમાવે અને દુનિયા વ આખેરતમાં તેમને બેહતરીન અજર આપે.
અંતમાં લખવાનું કે અમારા વાલિદ મરહુમે આ કિતાબના અનુવાદની શરૂઆત કરી હતી. આપ આ કિતાબના ભાગ-૧ ના ૧૦૦ પેજનો અનુવાદ કરી ચૂકયા હતા અને આપની નિશ્ચિત અજલ આવી પહોંચી. અલ્લાહતઆલા મરહુમ વાલિદ સાહેબની મગફેરત ફરમાવે. ત્યાર બાદ અમે બંને ભાઇઓએ આ કિતાબનો અનુવાદ પૂર્ણ કર્યો છે.
દુઆ છે અલ્લાહતઆલા અમારી આ નાચીજ કોશીશને કબૂલ ફરમાવે અને તેને અમારી મગફેરતનો ઝરીઓ બનાવે.
અમે તમામ મોઅમેનીનથી દરખાસ્ત કરીએ છીએ કે અમારા વાલિદ મર્હૂમ ઇબ્રાહીમ બી. પટેલની રૂહના સવાબ માટે એક વખત સૂરએ ફાતેહા અને ત્રણ વખત સૂરએ ઇખ્લાસની તિલાવત કરી તેમની રૂહને બક્ષી આપે.

 

નાચીજ

મૌલાના શબ્બીરઅહમદ આઇ. પટેલ

પ્રકરણ : ૧

પ્રકરણ : ૨

પ્રકરણ : ૩

પ્રકરણ : ૪

પ્રકરણ : ૫

પ્રકરણ : ૬

પ્રકરણ : ૭

પ્રકરણ : ૮

પ્રકરણ : ૯

પ્રકરણ : ૧૦

પ્રકરણ : ૧૧

પ્રકરણ : ૧૨

પ્રકરણ : ૧૩

પ્રકરણ : ૧૪

પ્રકરણ : ૧૫

પ્રકરણ : ૧૬